
બે મહિનાની તાળબંધી બાદ હવે અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માટે રાજ્યસરકાર પ્રયત્ન કરી રહી છે. એક પ્રચ્છન્ન ભય સેવાઇ રહ્યો છે કે અનેક લોકોની નોકરીઓ કોરોના છીનવી લેશે, પરંતુ ગુજરાતમાં સ્થાનિક યુવાનો માટે રોજગારી ઉપલબ્ધ હશે. હાલ અનેક પરપ્રાંતીય લોકો પોતાના વતન ભણી જતા રહ્યા છે, ત્યારે હવે જ્યારે લૉકડાઉન હળવું થાય તેવી સ્થિતિમાં ઉદ્યોગો ચાલું થશે અને તેમાં હવે કામદારોની જરૂર પડતા નવી નોકરીઓ પેદા થશે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં દસથી પંદર લાખ પરપ્રાંતિય લોકો મજૂરીથી માંડીને સુપરવાઇઝરી કક્ષાએ અને અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં નોકરીઓ કરી રહ્યા હતા, પણ હાલ તેઓ વતન પરત ગયા હોવાથી સ્થાનિક યુવાનો માટે આ તક હશે કે તેમને અહીં નોકરી મળી શકશે. માત્ર ગુજરાતીઓએ કામ પ્રત્યેના પોતાના વલણ અને મિજાજને બદલવાની જરૂર રહેશે.
ટૂંક સમયમાં જોબ પોર્ટલ જેવી વ્યવસ્થા શરૂ કરશે
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે હાલ આ તક લોકલ યુવાનો માટે છે. અમે સરકારના જિલ્લા એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા ટૂંક સમયમાં જોબ પોર્ટલ જેવી વ્યવસ્થા શરૂ કરી સ્થાનિક લોકોને ત્યાંના ઉદ્યોગો કે અન્ય એકમોને અનુરૂપ નોકરી મળી રહે તેવી વ્યવસ્થા કરીશું. આ માટે યુવાનો, ઉદ્યોગો અને નોકરીદાતા એકમોની સાથે સંકલન કરીને આ વ્યવસ્થા ઊભી થશે. આ ઉપરાંત તાલુકા કક્ષાની ઉદ્યોગ તાલીમ સંસ્થા દ્વારા આ યુવાનોને શોર્ટ ટર્મ કોર્સીસ દ્વારા તાલીમ આપી તરત જ ઉદ્યોગોને જરૂરી માનવ સંસાધન ખડું કરાશે. લૉકડાઉન ખૂલ્યા બાદ માગમાં મોટાપાયે ઉછાળો આવશે.
સરકારે 12 કલાકની શિફ્ટની મંજૂરી આપવી પડશે
લોકડાઉન 4 થોડું હળવું થતાં અત્યાર સુધી જે માલસામાનની માગ ઓછી હતી તે તરત ઊંચી આવશે. તેને પહોંચી વળવા ઉદ્યોગોને સતત ઉત્પાદન પણ કરવું પડશે. આ ઉપરાંત કૃષિ અને ખાદ્ય સામગ્રી, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, ઇલેક્ટ્રોનિક્સથી માંડીને ઘણી ચીજવસ્તુઓના વેચાણમાં વૃદ્ધિ થશે, તેની સામે છેલ્લા બે મહિનાથી ઉત્પાદન બંધ હોઇ ડિમાન્ડને પહોંચી વળવાનું દબાણ ઉદ્યોગો પર રહેશે અને તેથી જ તેઓને વધુ શ્રમિકોની જરૂર પડશે. આ માટે સરકારે પણ બાર કલાકની શિફ્ટની મંજૂરી આપી છે, જેથી મહત્તમ કલાક સુધી ઉત્પાદન ચાલુ રહી શકે અને બજાર માગને પહોંચી વળાય.
ટેક્સટાઇલ, ઑટો, MSME સહિતનાં સેક્ટર્સમાં તકો સર્જાશે
- ટેક્સટાઇલ એન્ડ પ્રિન્ટિંગ - 2 લાખ
- જેમ્સ એન્ડ જ્વેલરી - 75 હજારથી 1 લાખ
- ઓટોમોબાઇલ્સ એન્ડ એન્જિનિયરિંગ, MSME - 6 લાખ
- ફાર્માસ્યુટિકલ્સ એન્ડ કેમિકલ્સ, પ્લાસ્ટિક - 2 લાખ
- સેઝ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, શીપ બ્રેકિંગ - 1 લાખ
- ફૂડ એન્ડ બેવરેજીસ, સર્વિસીસ - 1 લાખ
- હોમ ડેકોર અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સર્વિસીઝ - 50 હજારથી 1 લાખ
‘ઉદ્યોગોએ વધુ વેતન આપવું પડશે’: શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ મિત્રાએ કહ્યું હતું કે જે રીતે બહારના રાજ્યોમાંથી આવતા શ્રમિકોને ઓછું વેતન આપીને જે ઉદ્યોગકારો તેમનું શોષણ કરતા હતા તેને બદલે સ્થાનિક લોકોને અમુક ટકા વધુ વેતન આપવું પડશે, પરંતુ તે જરૂરી છે. આમ કરતા તેઓને પણ શ્રમિકો મળી રહેશે અને તેમનું કામ થશે. બીજી એક વાત એ પણ છે કે આવા સંજોગોમાં ઉદ્યોગો હોય કે અન્ય એકમો સૌએ ઓટોમાઇઝેશન તરફ વળવું પડશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36cvdrt
No comments:
Post a Comment